ફ્રાન્સને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા 19 વર્ષના ફૂટબોલર કિલિયન એમ્બાપ્પેેની જિંદગીની રોચક સફર
એમ્બાપ્પેની તુલના બ્રાઝિલના લેેજન્ડરી ફૂટબોલર પેેલેેની સાથે થવા માંડી છે આકાશ હકીકતમાં તો દરેકની આંખોમાં સમાયેલું હોય છે અને પોતપોતાના આકાશને પામવા માટેની દોડ ચારેબાજુ જોવા મળે છે. માત્ર મીટ માંડવા માત્રથી કંઈ હાંસલ થતું નથી. ફેફસાને ધમણની જેમ ધમધમાવવા પડે, નસોમાં વહેતા રક્તના વેગને સાગરની ભરતી જેવા ઘુઘવાટમાં ફેરવવો પડે અને આખા શરીર પર પરસેવારુપી ઝાકળનો અભિષેક સતત થતો રહે તેવો પરિશ્રમ કરવો પડે. સફળતા ક્યારે એકાદ-બે પ્રયાસમાં હાંસલ થતી નથી. સતત પ્રયત્ન જારી રાખવાની સાથે પોતાના લક્ષ્યને હાંસલ કરવાના ઝનૂન પર રોજિંદી ઘટમાળના કંટાળાનો જરા સરીખો કાટ ન ચડે તેનું ધ્યાન રાખનારા જ અનંત આકાશમાં એવી ઉંચાઈને હાંસલ કરી શકે છે કે જે બીજા બધાની આંખોમાં અહોભાવ બનીને ઉભરી આવે છે. સખત મહેનત અને પરિશ્રમને સહારે કારકિર્દીમાં અલગ ઉચાંઈએ પહોંચેલી વિરલ પ્રતિભાઓને સન્માનની સાથે સાથે નામ અને દામ મળે તે સમજી શકાય તેમ છે, પણ છેલ્લા અડધા દશકમાં રમત જગતમાં નવા સુપરસ્ટાર્સને ખોળી કાઢવાની એક અલગ પ્રકારની અધિરાઈ જોવા મળી રહી છે. તેમાંય ફૂટબોલ જેવી વિશ્વની સૌથી લોકપ્રિય રમતમાં ચાહકોની નજર હાલ ક્રિસ્...