ફ્રાન્સને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા 19 વર્ષના ફૂટબોલર કિલિયન એમ્બાપ્પેેની જિંદગીની રોચક સફર



એમ્બાપ્પેની તુલના બ્રાઝિલના લેેજન્ડરી ફૂટબોલર પેેલેેની સાથે થવા માંડી છે 


આકાશ હકીકતમાં તો દરેકની આંખોમાં સમાયેલું હોય છે અને પોતપોતાના આકાશને પામવા માટેની દોડ ચારેબાજુ જોવા મળે છે. માત્ર મીટ માંડવા માત્રથી કંઈ હાંસલ થતું નથી. ફેફસાને ધમણની જેમ ધમધમાવવા પડે, નસોમાં વહેતા રક્તના વેગને સાગરની ભરતી જેવા ઘુઘવાટમાં ફેરવવો પડે અને આખા શરીર પર પરસેવારુપી ઝાકળનો અભિષેક સતત થતો રહે તેવો પરિશ્રમ કરવો પડે. સફળતા ક્યારે એકાદ-બે પ્રયાસમાં હાંસલ થતી નથી. સતત પ્રયત્ન જારી રાખવાની સાથે પોતાના લક્ષ્યને હાંસલ કરવાના ઝનૂન પર રોજિંદી ઘટમાળના કંટાળાનો જરા સરીખો કાટ ન ચડે તેનું ધ્યાન રાખનારા જ અનંત આકાશમાં એવી ઉંચાઈને હાંસલ કરી શકે છે કે જે બીજા બધાની આંખોમાં અહોભાવ બનીને ઉભરી આવે છે.
સખત મહેનત અને પરિશ્રમને સહારે કારકિર્દીમાં અલગ ઉચાંઈએ પહોંચેલી વિરલ પ્રતિભાઓને સન્માનની સાથે સાથે નામ અને દામ મળે તે સમજી શકાય તેમ છે, પણ છેલ્લા અડધા દશકમાં રમત જગતમાં નવા સુપરસ્ટાર્સને ખોળી કાઢવાની એક અલગ પ્રકારની અધિરાઈ જોવા મળી રહી છે. તેમાંય ફૂટબોલ જેવી વિશ્વની સૌથી લોકપ્રિય રમતમાં ચાહકોની નજર હાલ ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લાયોનેલ મેસી પર ટકેલી છે, ત્યારે ફૂટબોલના કોચિસ તેમજ પ્રમોટર્સ રોનાલ્ડો-મેસી પછી કોણ તેની તલાશમાં લાગી ચૂક્યા છે. ફ્યૂચર સુપરસ્ટારની તલાશમાં રમત જગતમાં નવો ટ્રેન્ડ શરુ થયો છે અને એ છે પરાક્રમ પહેલા પુરસ્કારનો ! આ ટ્રેન્ડ લાગે તો તીર નહિતર તુક્કા જેવો છે, પણ હાલમા તેનાથી યુવા પ્રતિભાઓના બેન્ક બેલેન્સ છલકાઈ રહ્યા છે અને આવી જ એક પ્રતિભા ફ્રાન્સના 18 વર્ષના કિલિયન એમ્બાપ્પેની છે. જેણે દુનિયાભરના ફૂટબોલના જાણકારોને એવો અણસાર આપ્યો છે કે, હાલના સુપરસ્ટાર્સ રોનાલ્ડો અને મેસી જ્યારે વિદાય લેશે ત્યારે તેમનું સ્થાન લેવાની પ્રતિભા તેનામાં છે. આ જ કારણે હજુ તો યૌવનમાં ડગ માંડી રહેલો કિલિયન એમ્બાપ્પે દુનિયાની ટોચની ફૂટબોલ કલબોના હિટલિસ્ટમાં આવી ગયો છે.
બ્રહ્માંડમાં જ્યારે પૃથ્વીને બોલનું સ્વરુપ આપવામાં આવ્યું છે, ત્યારે પૃથ્વી પરની સૌથી લોકપ્રિય રમત – ફૂટબોલ – માં મહારથીઓને કરારબદ્ધ કરવા માટે ટોચની કલબો નાણાની કોથળીઓ ખુલ્લી મુકી દે છે અને નાણાની રેલમછેલને પગલે વૈભવ અને ગ્લેમરનો પગપેસારો સ્વાભાવિક બની જાય છે. હાલ ફ્રાન્સની એક નાનકડી ફૂટબોલ કલબ મોનાકોમાં રમીને ઉછરેલા કિલિયન માટે વિશ્વ ફૂટબોલમાં સુપર જાયન્ટ્સ કહેવાય તેવી રિયલ મેડ્રિડ અને પેરિસની સેંટ. જર્માઈન કલબ (પીએસજી) આશરે રુપિયા 1000 કરોડથી વધુનો કરાર કરવા માટે ઉત્સુક છે. જોકે આની પાછળ માત્રને માત્ર કિલિયનનું ગજબનાક ફૂટબોલ કૌશલ્ય, મેદાન પર તનાવભરી સ્થિતિમાં શ્રેષ્ઠ પર્ફોમન્સ આપતી રમત અને ચતુરાઈભર્યુ ફૂટબોલિંગ-બ્રેઈન કારણભૂત છે. ખુબ જ નાની ઉંમરમાં ફૂટબોલ શીખવાનું શરુ કરનારો કિલિયન આજે તેની ઉંમરના ખેલાડીઓ કરતાં ક્યાંય આગળ છે, જેના કારણે તેની સરખામણી ફ્રાન્સના ફૂટબોલ ઇતિહાસની ગોલ્ડન જનરેશનમાં સ્થાન ધરાવતા થિયરી હેનરી સાથે થઈ રહી છે. કિલિયને માત્ર 16 વર્ષની ઉંમરે ફ્રાન્સની ટોચની લીગમાં રમીને અને 17 વર્ષની ઉંમરે ગોલ ફટકારીને થિયરી હેનરીએ 20 વર્ષ પહેલા નોંધાવેલા રેકોર્ડને તોડી નાંખ્યા છે અને આ જ કારણ છે કે, દુનિયાભરની ટોચની કલબો આ જ્વેલને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ઉત્સુક જોવા મળી રહી છે.
અસાધારણ પ્રતિભા અને તેની સાથે સાથે પ્રેક્ટિસમાં બીજાઓ કરતાં વધુ મહેનત કરવાની ટેવને કારણે કિલિયને કારકિર્દીના પ્રારંભે જ જબરજસ્ત આકર્ષણ ઉભુ કર્યું છે. જોકે કિલિયનની સફળતા પાછળ તેના માતા-પિતાની મહેનત અને તેમણે આપેલું બલિદાન પણ પાયારુપ બની રહ્યા છે. કિલિયનના પિતા વિલ્ફ્રેડ આફ્રિકન દેશ કેમેરુનના છે અને તેઓ વધુ સારી જિંદગીની તલાશમાં પોતાનું વતન છોડીને શરણાર્થીના રુપમાં ફ્રાન્સ આવ્યા અને પેરીસ નજીકના બોન્ડીમાં સ્થાયી થયા. ફૂટબોલ કોચ તરીકે જીવન નિર્વાહ કરી રહેલા વિલ્ફ્રેડની મુલાકાત હેન્ડ બોલ પ્લેયર ફાયઝા સાથે થઈ. અલ્જેરિયાની ફાયઝા સાથે તેમણે લગ્ન કર્યા. તેમણે એક પુત્રને દત્તક લીધો અને ત્યાર બાદ 20 ડિસેમ્બર, 1998ના રોજ કિલિયનનો જન્મ થયો. તેનું બાળપણ પેરીસના તોફાનગ્રસ્ત વિસ્તાર – બોન્ડી – માં વિત્યું. જ્યાં ક્રિમિનલ્સ અને માફિયાની હાજરીને કારણે વાતાવરણ તંગ રહેતું હોય છે.
નાઈજીરિયાથી શરણાર્થી તરીકે ફ્રાન્સ આવેલા ફૂટબોલ કોચ વિલ્ફ્રેડના પુત્રએ લેજન્ડરી ખેલાડી થિયરી હેનરીના 20 વર્ષ જૂના બે રેકોર્ડ તોડી નાંખ્યા છે

દિલ અને દિમાગથી ફૂટબોલ રમતાં કિલિયનના પગમાં આજે નામ અને દામ બંને આળોટી રહ્યા છે !



જોકે આર્થિક મર્યાદાને કારણે તેઓ કિલિયનને વધુ સારી સગવડ આપી શકે તેમ નહતા. આ દરમિયાન વિલ્ફ્રેડ ફૂટબોલના કોચિંગ માટે જતા ત્યારે નાનકડો કિલિયન સાથે થતો. કિલિયનનો ફૂટબોલ પ્રેમ જોઈને માત્ર છ વર્ષની ઉંમરથી જ તેનું ફૂટબોલ કોચિંગ શરુ થઈ ગયું. નાનકડી ઉંમરમાં જ કિલિયને ખુબ જ ઝડપથી ફૂટબોલના બેઝિક્સને શીખી લીધા. હવે તેની પ્રતિભાને વધુ સારી તાલીમની જરુર હતી અને ક્લાઈરફોન્ટાઈન એકેડમીમાં તેને મુકવામાં આવ્યો. ક્લાઈરફોન્ટાઈન ફ્રાન્સના ફૂટબોલમાં આદરપાત્ર સ્થાન ધરાવે છે અને આ એકેડમીએ થિયરી હેનરી, નિકોલસ એનેલ્કા, લુઈસ સાહા, ઓલિવર જિરોડ સહિતના ખેલાડીઓ આપ્યા છે. કિલિયનની પ્રતિભાને અહી વિશેષ નિખાર મળ્યો અને તે ચમકી ઉઠ્યો.
કિલિયન 15 વર્ષનો હતો, ત્યારથી જ તેની પ્રતિભાની ચર્ચા ફ્રાન્સના ફૂટબોલ જગતમાં શરુ થઈ ચૂકી હતી. તેને ટોચની કલબોએ એપ્રોચ પણ કર્યો આમ છતાં થિયરી હેનરીની તેમ કિલિયનની પ્રતિભાને નિખાર મળે તે માટે તેના પિતા વિલ્ફ્રેડે તેને મોનાકોની જુનિયર ટીમમાં સામેલ કર્યો. મોનાકોની જુનિયર ટીમમાં રમી રહેલા કિલિયનને ઝડપથી સિનિયર ટીમમાં સ્થાન મળી ગયું અને દોઢ વર્ષમાં તો તેણે ફ્રાન્સના લેજન્ડરી ખેલાડી ઝિદાન, ઈંગ્લિશ ફૂટબોલ કલબના મેનેજર આર્સેન વેંગેર જેવાને પ્રભાવિત કર્યા.
ફૂટબોલમાં સિનિયર ટીમ સાથે કરાર કરવાની લાયકાત કિલિયને ગત વર્ષે જ મેળવી ત્યારે તેને અન્ય હાઈપ્રોફાઈલ ટીમોને પડતી મૂકીને તેની પ્રતિભાને પ્લેટફોર્મ પુરુ પાડનારી મોનાકો કલબને પ્રાથમિકતા આપી અને ગત વર્ષે જ મોનાકો સાથે ચાર વર્ષના કરાર કર્યા. આ પછી કલબ તરફથી કારકિર્દીમાં પહેલી વખત સિનિયર લેવલે આખી સિઝન રમતાં કિલિયને કુલ મળીને 26 ગોલ ફટકારીને ખળભળાટ મચાવ્યો હતો. કિલિયનની વિશિષ્ટ પ્રતિભાને પોતાની ટીમમાં સામેલ કરવા માટે રિયલ મેડ્રિડ, પેરિસની સેંટ. જર્માઈન કલબ, આર્સેનલ, બાયર્ન મ્યુનિચ, ચેલ્સી, લિવરપૂલ, યુવેન્ટસ, માન્ચેસ્ટર યુનાઈટેડ, માન્ચેસ્ટર સિટી જેવી ટોચની કલબો રસ દાખવી રહી છે. આ માટે જંગી રકમની ઓફરો મુકાઈ રહી છે, પણ કિલિયનનો હાલનો મોનાકો સાથેનો કરાર આવતા વર્ષે પુરો થઈ રહ્યો છે.

જોકે નેમારને કરારબદ્ધ કરનારી પેરિસની સેંટ. જર્માઈન કલબે તેને મોનાકો પાસેથી લોન પર લઈને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. નેયમાર, કાવની સહિતના સુપરસ્ટાર્સની વચ્ચે કિલિયને પોતાની પ્રતિભા દર્શાવતા ચેમ્પિયન્સ લીગમાં ગોલ ફટકાર્યો હતો અને આ સાથે તે યુરોપીયન ફૂટબોલના ઈતિહાસમાં 18 વર્ષની વયે બે જુદી-જુદી કલબ તરફથી ગોલ ફટકારનારો સૌપ્રથમ ખેલાડી બન્યો હતો. કિલિયનની કારકિર્દીનું સુપર-સોનિક હજુ તો માત્ર રન વે પર પહોંચ્યું છે, ત્યારે ફૂટબોલ જગતમાં ખળભળાટ શરુ થઈ ચૂક્યો છે, ત્યારે આવનારા દિવસો વધુ રોમાંચક બનશે તે ચોક્કસ છે. ફૂટબોલની આ પ્રતિભાએ દુનિયાભરમાં આકર્ષણ જમાવી દીધું છે. 

નોંધ - ફ્રાન્સના આ યુવા સુપરસ્ટાર અંગેે ગુજરાત સમાચારની રવિ પૂર્તિમાં તારીખ 26.11.2017ના રોજ મારી સ્પોર્ટસ ફંડા કોલમમાં પ્રસિદ્ધ થયેલો લેખ અત્રે રજુ કરેલ છે. 

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

શેફાલી વર્મા : લેડી સેહવાગ

ચૂંટણી : છુટ્ટા હાથેે સવાલોની મારામારી

રણજી ટ્રોફીનું દબદબાભેર વતનમાં પુનરાગમન