રણજી ટ્રોફીનું દબદબાભેર વતનમાં પુનરાગમન
જયદેવ ઉનડકટની આગેવાની હેઠળની સૌરાષ્ટ્રની ટીમે ડ્રો થયેેલી ફાઈનલમાં બંગાળને પ્રથમ ઈનિંગની સરસાઈને સહારે હરાવીને સૌપ્રથમ વખત ભારતની પ્રીમિયર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી લઈને ઈતિહાસ રચી દીધો હતો. સૌરાષ્ટ્ર નામ હેઠળ આ તેમનું પ્રથમ ટાઈટલ હતુ. જ્યારે અગાઉ સૌરાષ્ટ્ર વિસ્તારની ટીમ - વેર્સ્ટન ઈન્ડિયાએ રણજી ટ્રોફી જીતી ત્યારે તો ભારત આઝાદ પણ થયું નહતુ. તેે સાલ ઈ.સ. 1943-44ની હતી. આ અગાઉ રણજી ટ્રોફી જેમના નામથી રમાય છે, તેવા ભારતીય ક્રિકેટના ભિષ્મપિતામહ એવા જામ રણજીતસિંહજીના રજવાડા નવાનગર (આજનું જામનગર)ની ટીમે ઈ.સ. 1936-37માં આ ટાઈટલ જીત્યું હતુ. નોંધપાત્ર બાબત એ છેે કે, રણજી ટ્રોફીનો પ્રારંભ ઈ.સ. 1934માં થયો હતો.ભારતીય ક્રિકેટમાં સૌરાષ્ટ્રનું પ્રદાન અને તેનો ઈતિહાસ અત્યંત ગૌરવપ્રદ રહેલો છે અને યુવા પેઢીએ સાડા સાત દાયકા બાદ ફરી વખત રણજીતસિંહજીની ભૂમિને રાષ્ટ્રીય સ્તરેે ગૌરવ અપાવ્યું છે. સૌરાષ્ટ્રની આ સિદ્ધિમાં ટીમના દરેકેદરેેક ખેલાડીએ નિર્ણાયક તબક્કે પોતપોતાની ભૂમિકા ભજવતા ટીમને સફળતા અપાવી છે. જોકે આ બધામાં કેેટલીક વિશિષ્ટ પ્રતિભા અને તેમના પ્રદર્શને તો ઈતિહાસમાં અમર સ્થાન હાંસલ કરી લીધું છે. કેપ્ટન જયદેવ ઉનડકટેે તો સિઝનમાં ફાસ્ટ બોલર તરીકે સર્વાધિક વિકેટ ઝડપવાનો વિક્રમ સર્જતા 67 વિકેટ મેળવી હતી. જેમાં ગુજરાત સામેની સેમિ ફાઈનલમાં આખરી દિવસે ઝડપેલી સાત વિકેટ તેમજ ફાઈનલમાં બંંગાળ સામે સૌરાષ્ટ્રને પ્રથમ ઈનિંગમાં સરસાઈ અપાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવતા આખરી દિવસે બેે વિકેટ ઝડપવાની સાથે એક બેટ્સમેનને રનઆઉટ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઉનડકટ બાદ અર્પિત વસાવડાનો ઉલ્લેખ કરવો જ પડે. તેના વિના તો સૌરાષ્ટ્રની આ સ્વપ્નિલ સફળતા કદાચ શક્ય જ બની શકી ન હોત. રણજીની આખી સિઝનમાં અર્પિતેે ચાર સદી ફટકારી, જેમાંની ત્રણ સદી તો છેલ્લી ચાર મેચમાં નોંધાવી હતી. તેણે ગુજરાત સામેની સેમિ ફાઈનલમાં બીજી ઈનિંગમાં 139 રન અને બંગાળ સામેની ફાઈનલમાં પ્રથમ ઈનિંગમાં 106 રન ફટકાર્યા હતા અને બંને ઈનિંગમાં પ્લેેયર ઓફ ધ મેચ તરીકેની વિશિષ્ટ સિદ્ધિ મેળવતા રેકોર્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતુ. આખી સિઝન દરમિયાન સંઘર્ષ કરતાં રહેલા અર્પિતે આખરી ચાર જ મેચમાં તેની વિશિષ્ટ પ્રતિભાનું પ્રમાણ આપતાં ટીમ મેનેજમેન્ટે તેનામાં બતાવેલા વિશ્વાસને ખરો ઠેરવ્યો.
મીડલ ઓર્ડરમાં બેટીંગમાં ઉતરીને ચિરાગ જાનીએ તેની ઓલરાઉન્ડ પ્રતિભાનું પ્રમાણ આપતાં જે પ્રકારે
સૌરાષ્ટ્રને ઉગાર્યું હતુ, તેના થકી જ તેઓ અહીં સુધી પહોંચી શક્યા હતા. ફાઈનલ અગાઉની ચાર મેચોમાં એટલે કે સૌરાષ્ટ્રની બે આખરી લીગ મેચમાં અને ક્વાર્ટર ફાઈનલ તેમજ સેમિ ફાઈનલમાં ચિરાગે 50થી વધુનો સ્કોર નોંધાવતા ટીમની સફળતામાં પાયાના પથ્થર જેવી ભૂમિકા ભજવી હતી. સૌરાષ્ટ્રની આખરી બે લીગ મેચમાં ચિરાગે મુંબઈ સામે અણનમ 84 અને તમિલનાડુ સામે અણનમ 124 (જે તેની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર છે ) રન ફટકારીને ટીમની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી આંધ્ર સામેની ક્વાર્ટર ફાઈનલની પ્રથમ ઈનિંગમાં ચિરાગે 121 રન ફટકાર્યા હતા. જ્યારે ગુજરાત સામેની સેમિ ફાઈનલમાં તેણે બીજી ઈનિંગમાં 51 રનની ઈનિંગ રમી હતી. જે યાદગાર રહી હતી. ચિરાગે 71 વિકેટ પણ ઝડપી હતી.
સૌરાષ્ટ્રના હાલના ક્રિકેટના કોહીનૂર સમાન ચેતેશ્વર પુજારાએ છ મેચમાં 4 અડધી સદી અને એક સદી સાથે 575 રનનું યોગદાન આપ્યું હતુ. પુજારાના પ્રદાનને માત્ર તેેના રનના આંકડાથી જ મૂલવી ન શકાય. તેેણે ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન પણ સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટના સંપર્કમાં રહીને તેને ટીપ્સ આપી હતી. પુજારા જેવો બેટ્સમેન સામેના છેડે ઉભો હોય એટલે ભલેેને છેલ્લા ક્રમનો બેટ્સમેન ક્રિઝ પર હોય પણ તેનામાં અનુભવી બેટ્સમેન જેવો આત્મવિશ્વાસ આવી જાય.
શેલ્ડન જેક્સનની બેટીંગ સૌરાષ્ટ્રની સફળતામાં નિર્ણાયક બની રહી. સૌરાષ્ટ્ર તરફથી 2019-20ની સિઝનમાં રણજીમાં સૌથી વધુ 809 રન ફટકારવાનો રેકોર્ડ શેલ્ડનના નામે નોંધાયેલો છેે. શેલ્ડને મુંબઈ સામેની લીગ મેચમાં 85, આંધ્ર સામેની ક્વાર્ટર ફાઈનલમાં 50 અને ગુજરાત સામે સેમિ ફાઈનલમાં 103 રનની મહત્વની ઈનિંગ રમી હતી. તેણે 50.56ની સરેરાશથી આ સિદ્ધિ મેળવી હતી, જેમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદી સામેલ હતી.
ધર્મેન્દ્ર સિંહ જાડેજાની મેજિકલ સ્પિન બોલિંગ, પ્રેરક માંકડનો ઓલરાઉન્ડ દેખાવ, હાર્વિક દેસાઈની ઓપનિંગમાં મક્કમ શરુઆત તેમજ અન્ય તમામ ખેેલાડીઓના શાનદાર દેેખાવને સહારે જ સૌરાષ્ટ્રની ટીમે દેશના ક્રિકેેટમાં નવી ઊંચાઈ હાંસલ કરી દીધી છે. સૌરાષ્ટ્રના આ શાનદાર પ્રકરણમાં એકમાત્ર વસવસો એ છેે કે, આંતરરાષ્ટ્રીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને એક પણ મેચ રમવા ન મળી. ફાઈનલમાં તેને રમાડવાની વિનંતી બીસીસીઆઇના પ્રમુખ અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના બિગબોસ સૌરવ ગાંગુલીએ ઠુકરાવી દીધી. જાડેજાને સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની પ્રથમ મેચને કારણે રણજીની ફાઈનલ રમવાની ના પાડવામાં આવી અને તે મેચ વરસાદે ધોઈ નાંખી. જે પછી કોરોનાવાઈરસના કારણે આખી સિરિઝ પડતી મૂકાઈ હતી.
ગત વર્ષે વિદર્ભ સામેના મુકાબલામાં સ્હેજ માટે રણજી ચેમ્પિયન બનતાં રહી ગયેલી સૌરાષ્ટ્રની ટીમે આખરે ચેમ્પિયન બનીને પોતાની પ્રતિભાને પૂરવાર કરી બતાવી. તેઓ લીગ મેચ બાદ ગુજરાત, બંગાળ, કર્ણાટક બાદ ચોથા ક્રમની ટીમ તરીકે ક્વાર્ટર ફાઈનલમાં એન્ટર થયા હતા અને ત્યાર બાદ તેમણે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી બતાવી હતી.
સૌરાષ્ટ્ર ચેમ્પિયન બન્યું તે 2019-20ની સિઝનમાં ભાગ લેનારા ખેલાડીઓની યાદી
જયદેવ ઉનડકટ, ચેતેશ્વર પુજારા, અર્પિત વસાવડા, ચિરાગ જાની, શેલ્ડન જેક્સન, પ્રેરક માંકડ, હાર્વિક દેસાઈ, વિશ્વરાજ જાડેજા, કિશન પરમાર, અવિ બારોટ, ચેતન સાકરિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્નેલ પટેલ, કમલેશ મકવાણા, કૃશાંગ પટેલ, સમર્થ વ્યાસ, જય ચૌહાણ, દિવ્યરાજ ચૌહાણ, વંદિત જીવરાજાણી, પાર્થ ભૂત.
* તસવીરો ચેતેશ્વર પુજારાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેયર કરેલી છે. જેમાં તેે સૌરાષ્ટ્રની ચેમ્પિયન ટીમ સાથે છે. જ્યારેે અન્ય તસવીરમાં તે પરિવારજનો સાથેે દ્શ્યમાન થાય છે, તેની સાથે કેપ્ટન જયદેવ પણ છે.

टिप्पणियाँ