શેફાલી વર્મા : લેડી સેહવાગ
ક્રિકેટ શીખવા માટે શેફાલીને વાળ કપાવીને છોકરાઓ જેવો લૂક બનાવવો પડ્યો
પ્રત્યેક શરુઆત સંઘર્ષની સાથે જોડાયેલી હોય છે અને તેમાં જ્યારે સાતત્ય ઊમેરાય છે, ત્યારે એક ચેમ્પિયન પેદા થાય છે. જેમ પાણીનો વેગ તેના માર્ગમાં આવતી અડચણોથી રોકાતો નથી, પણ તે પોતાની રીતે રસ્તો કરી જ લે છે. તે પ્રકારે પોતાના લક્ષ્યની પ્રાપ્તિની પ્રબળ ઈચ્છા અને દ્રઢ સંકલ્પ હોય તો હિમાલય જેવડી ઉંચાઈ પણ સાવ સામાન્ય લાગે. હકીકતમાં જિંદગીમાં આવતા વિઘ્નો એ હિંમતની કસોટી માટેના હોય છે. જેઓ તેની સામે ઘુંટણ ટેકવી દે છે, તેઓ ક્યારેય પોતાની ક્ષમતા પ્રમાણેની સફળતાને પ્રાપ્ત કરી શકતાં નથી. જ્યારે જાંબાંઝીથી આગળ વધનારને કલ્પનાતીત સફળતાની પ્રાપ્તિ થાય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય મહિલા ક્રિકેટમાં એક થી એક ચડિયાતી પ્રતિભાઓ આવી રહી છે, જે ભારતીય ક્રિકેટના વર્તમાનને વધુને વધુ સમૃદ્ધ બનાવી રહી છે. જેમીમા રોડ્રિગ્યુઝ બાદ હરિયાણાની 16 વર્ષીય ખેલાડી શેફાલી વર્માએ ટૂંકા ગાળામાં તેની આક્રમક શૈલીથી ભારે આકર્ષણ જગાવ્યું છે. વિશ્વની ધુરંધર ખેલાડીઓની શેહમાં આવ્યા વિના ભારે આત્મવિશ્વાસ સાથે સ્ટ્રોક્સ ફટકારવાની કુશળતાએ શેફાલીને દુનિયાની ભાવિ સુપરસ્ટાર્સની હરોળમાં સ્થાન અપાવી દીધું છે. ભારતીય મહિલા ક્રિકેટમાં મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી જેવી માઈલસ્ટોન સમાન મહિલા ક્રિકેટરોની કારકિર્દી અસ્તાચળે છે, ત્યારે શેફાલી જેવા ઉદયમાન સિતારાઓને ઉજ્જવળ ભવિષ્યનો ભરોસો બુલંદ કર્યો છે.
માત્ર 15 વર્ષની વયે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવતા જ વિક્રમ સર્જનારી શેફાલીએ અવનવા કીર્તિમાન હાંસલ કરતાં પોતાની શ્રેષ્ઠતાનું પ્રમાણ આપ્યું છે. શેફાલીએ ભારતની મહિલા ટીમ તરફથી સૌથી યુવા વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો રેકોર્ડ તો નોંધાવ્યો જ હતો. આ ઉપરાંત તેણે વિન્ડિઝ સામેની ટ્વેન્ટી-20 મેચમાં માત્ર 49 બોલમાં 73 રન ફટકારતાં ભારત તરફથી સૌથી યુવા વયે અડધી સદી ફટકારવાનો તેંડુલકરનો 30 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. શેફાલીએ 15 વર્ષ અને 285 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. તેણે સ્મૃતિ મંધાના સાથે 143 રનની ઓપનિંગ ભાગીદારી કરતા મહિલા ક્રિકેટમાં સર્વાધિક ભાગીદારીનો ભારતીય રેકોર્ડ પણ સર્જ્યો હતો.
ભારતને ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર યજમાનો સામેની ટી-20 મેચમાં વિજય અપાવવામાં પણ શેફાલીની ભૂમિકા મહત્વની રહી હતી. જોકે ત્રિકોણીય જંગની ફાઈનલમાં ભારતની મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી, છતાં ભારતે ઓસ્ટ્રેલિયન ટીમને હંફાવી દીધી હતી, જે ભારતીય મહિલા ટીમને ટી-20 વિશ્વકપની પ્રબળ દાવેદારોમાં સ્થાન અપાવે છે. શેફાલીની વિશેષતા તેના બેફિકર અંદાજ અને સ્ટ્રોક ફટકારવાની કુશળતામાં છુપાયેલી છે. એક સમયે સેહવાગ જે પ્રકારના એટીટ્યૂટથી રમતો, તેની ઝલક શેફાલીની બેટીંગની શૈલીમાં ઝલકતી જોવા મળી રહી છે. આ જ કારણ છે કે, ઈંગ્લેન્ડની ધુરંધર ખેલાડી ડેનિયેલા વ્યાટ્ટે તો શેફાલીને ભાવિ સુપરસ્ટાર તરીકે ઓળખાવી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની મહિલાઓ માટેની મિની એડીશન 2019માં રમાઈ હતી, જેમાં શેફાલીની રમત જોઈને પ્રભાવિત થયેલી ડેનિયેલાએ કહ્યું કે, આ છોકરી ભાવિ સુપરસ્ટાર છે. મેં તેને જોઈ ત્યારે લાગતું નહતું કે, તે માત્ર 15 વર્ષની હશે. જોકે તેની ઉંમર જાણ્યા બાદ મને તેની પ્રતિભાએ ખુબ જ પ્રભાવિત કરી છે. તે સારી રીતે જાણે છે કે, કયા બોલરની સામે કેવી રીતે બેટીંગ કરવાની છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને ટીમની સૌથી સિનિયર બેટ્સવુમન મિતાલી રાજે પણ શેફાલીની પ્રતિભાને આગળ ધપાવવામાં ઘણી પાયાની ભૂમિકા ભજવી છે અને હવે તેની કારકિર્દી ધીરે ધીરે રફતાર પકડી રહી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીની શેફાલીની શરુઆત આસાન રહી નહતી. હરિયાણાના રોહતકમાં 28મી જાન્યુઆરી, 2004ના રોજ જન્મેલી શેફાલીને તેના માતા પરવીન અને પિતા સંજીવે પોતાના મોટા પુત્ર સાહિલની જેમ જ ઉછેરી છે. પરવીન અને સંજીવે ક્યારેય પુત્ર અને પુત્રીની વચ્ચે ભેદ કર્યો નથી. સંજીવને દર રવિવારે ક્રિકેટ રમવાનો શોખ. તેઓ તેમના પુત્ર અને પુત્રીને લઈને મેદાન પર પહોંચી જતાં. ધીરે ધીરે સાહિલની સાથે સાથે નાનકડી શેફાલીને પણ ક્રિકેટમાં રસ પડવા માંડ્યો.
ભારત તરફથી સૌથી યુવા વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારવાનો તેંડુલકરનો રેકોર્ડ શેફાલીએ તોડી નાંખ્યો
સંજીવે જ નાનકડી શેફાલીને ક્રિકેટમાં રસ લેતી કરી અને ધીરે ધીરે તેણે બેટીંગમાં કુશળતતતા હાંસલ કરી લીધી. હવે તેને પ્રોફેશનલ ટ્રેનિંગની જરુર હતી અને આ માટે સંજીવ અને પરવીને તેના માટે ક્રિકેટ એકેડમીની તલાશ શરુ કરી. હરિયાણામાં પણ ચારેબાજુ ક્રિકેટના કોચિંગની એકેડમી ફેલાયેલી હતી, પણ માત્ર છોકરાઓ માટે ! નાનકડી શેફાલીને ક્રિકેટના બેઝિક્સ શીખવવા કોઈ એટલા માટે તૈયાર નહતું કારણ કે તે છોકરી હતી. આખરે સંજીવે પુત્રીનું ક્રિકેટર બનવાનું સ્વપ્ન સાકાર કરવા માટે અનોખી તરકીબ અપનાવી. તેમણે શેફાલીના વાળ કપાવીને છોકરાઓ જેવા કરી દીધા.
નાનકડી શેફાલીને દુરથી જોઈ કહી જ ન શકે કે, આ છોકરી છે. આ તરકીબ કામ કરી ગઈ અને નવ વર્ષની શેફાલીને ક્રિકેટર તરીકેની તાલીમ મળવાની શરુઆત થઈ ગઈ. ધીરે ધીરે તેને છોકરાઓની સાથે મેચ પણ રમવાની તક મળવા માંડી. શેફાલીને ક્રિકેટર જેવા કપડાં પહેરીને રમવા જતી જોઈને અડોશ-પડોશના લોકો ઘણી વખત પરવીનને આવીને કહેતાં પણ ખરાં કે, છોકરીને તેં ક્રિકેટ રમવા મુકાતી હશે ક્યારેક વાગી જશે તો શું થશે તેનો વિચાર કર્યો છે જોકે શેફાલીના માતા-પિતા પર લોકોની કોમેન્ટ્સની કોઈ અસર થતી નહતી.
ધીરે ધીરે શેફાલીએ બેટીંગમાં એટલી કુશળતા મેળવી લીધી કે તે મોટા છોકરાઓની સામે પણ મક્કમતાથી બેટીંગ કરતી. બાળપણમાં મળેલી સખત પ્રેક્ટિસને કારણે જ શેફાલી આજે પાવરહિટર તરીકેની ઓળખ ધરાવે છે. ગમે તેટલી ફાસ્ટ બોલર સામે મક્કમતાથી ઉભા રહીને બાઉન્ડ્રી ફટકારવાની કુશળતા જ તેની પ્રતિભાને વિશ્વની એલિટ ખેલાડીઓની હરોળમાં મૂકે છે. નિર્ભિકપણે સ્ટ્રોક ફટકારીને હરિફ ટીમ પર હાવી જઈ જવું તેને ગમે છે અને આ જ બાબતથી ભારતીય ટીમના પસંદગીકારો પણ પ્રભાવિત છે.
શેફાલીની ક્રિકેટર તરીકેની પ્રતિભાને નિખારી રહી હતી, તે જ સમયમાં ભારતીય ક્રિકેટમાં પણ મહિલાઓને વધુ ગૌરવપૂર્ણ સ્થાન આપવાનું શરુ થયું. રાષ્ટ્રીય સ્તરની વન ડે અને ટી-20 ટુર્નામેન્ટમાં હરિયાણાની આ ઓપનિંગ બેટ્સવુમને કમાલનો દેખાવ કર્યો. ગત વર્ષે રમાયેલી અંડર-23ની નેશનલ વન ડે ટુર્નામેન્ટમાં શેફાલીએ છ ઈનિંગમાં 463 રન ફટકાર્યા હતા, જેમાં તેનો સ્ટ્રાઈકરેટ 197.86નો હતો. જ્યારે રાષ્ટ્રીય સ્તરની ટી-20 ટુર્નામેન્ટમાં તેણે 154.28ની સરેરાશથી રન ફટકારીને સનસનાટી મચાવી દીધી. મહિલા ક્રિકેટમાં આ પ્રકારના સ્ટ્રોકપ્લે સાથે જંગી સ્કોર જૂજ જોવા મળતા હોય છે, જેના કારણે શેફાલીની બેટીંગ બધા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. તેણે નાગાલેન્ડ સામેની મેચમાં માત્ર 56 બોલમાં 128 રન નોંધાવ્યા હતા.
આ દરમિયાનમાં ગત વર્ષે ભારતની ટોચની મહિલા ક્રિકેટર મિતાલી રાજે ટ્વેન્ટી-20માંથી નિવૃત્તિ જાહેર કરી અને તેના સ્થાને પસંદગીકારોએ શેફાલી વર્માને તક આપી. શેફાલીએ કારકિર્દીની બીજી જ ઈન્ટરનેશનલ ટી-20માં વિન્ડિઝ સામે 49 બોલમાં 73 રન ફટકારવાની સાથે સ્મૃતિ મંધાના સાથે 143 રનની ઓપનિંગ ભાગીદારીનો ઈતિહાસ રચી નાંખ્યો. તેંડુલકરને આદર્શ માનીને આગળ વધી રહેલી શેફાલીની પ્રતિભાના ચમકારા તેની કારકિર્દીના પ્રારંભે જ દેખાવા લાગ્યા છે અને આવનારા દિવસોમાં તે ભારતીય મહિલા ક્રિકેટને નવી ઉંચાઈએ પહોંચાડશે તે નિશ્ચિત લાગી રહ્યું છે.
टिप्पणियाँ