ચૂંટણી : છુટ્ટા હાથેે સવાલોની મારામારી
જવાબ આવડતો નથી તો સવાલ પૂછો....
વર્ષો પહેલાની વાત છે, પરીક્ષા ચાલી રહી હતી. બધા છોકરાઓ શાંતિથી પેપર લખી રહ્યા હતા. પણ છેલ્લી બેન્ચ પર બેઠેલા કનુને આખુ પ્રશ્નપત્ર સમજાતું નહતુ. તેણે આજુબાજુ જોયું તો બધા જોરશોરથી ઉત્તરવહીઓ ભરવામાં મશગૂલ બની ગયા હતા. ક નુને થયું કે, હવે શું કરું....મને જવાબ તો આવડતા નથી. અચાનક તેના મનમાં એક વિચાર ઝબક્યો અને પછી તો પેપર પુરુ થાય ત્યાં સુધી તો કનુએ પાંચ ઉત્તરવહીઓ ભરી કાઢી હતી. પેપર પુરુ થયુંને બધા બહાર નીકળ્યા ત્યારે કનુની બાજુમાં બેેઠેલા મનુએ કહ્યું , અલ્યા શરુઆતના અડધા કલાકમાં તો તુ સાવ નવરો ધાકોર બેસી રહ્યો હતો અને અચાનક શુ થયું કે, લખવા માંડ્યો અને પાંચ ઉત્તરવહીઓ ભરી કાઢી. કનુએ હસતા હસતા કહ્યું કે, ઉત્તરવહીને મેં પ્રશ્નવહી બનાવી દીધી. મનુને કઇ ના સમજાયું. કનુએ ફરી કહ્યું કે, અલ્યા ભઇ એટલે એમ કે પ્રશ્નપત્રના જવાબોને મેં એમના એમ પાંચ-સાત વખત મેં ઉત્તરવહીમાં ઉતારી લીધા એટલે ઉત્તરવહી બની ગઇ પ્રશ્નવહી...,- સમજ્યો !
બસ હાલમાં ચાલી રહેલા લોકસભાના ચૂંટણી પ્રચારમાં બધા પક્ષો એકબીજાની સાથે સવાલોની છુટ્ટા હાથની મારામારી કરી રહ્યા છે. જેને જ્યાં મન ફાવે ત્યાં- મન ફાવેે તેવા શબ્દોમાં અને મનફાવે તેવા સવાલોનો મારો ચલાવવાનો...પછી ભલેને તેનાથી દેશનું કે સાંભળનારાનું કોઇ ભલું થવાનું ના હોય ! આમ છતા આવા સાવ બેમતલબના સવાલો પર સામે રહેલી સમર્થકોની ભીડને તો તાળીઓ અને ચિચિયારીઓથી વધાવી લેવાના - એ લોકો પણ બીચારા શું કરે કારણ કે ડાયસ પરથી આવે તેને વધાવી લેવા સિવાય તો બીજો કોઇ વિકલ્પ હોતો નથી.ભાજપવાળા વાડ્રા મોડલ પર સવાલો પુછ્યા કરે તો કોગ્રેસવાળા ગુજરાત મોડલ અને અદાણીને આગળ ધરે. જ્યારે આપવાળા તો બે હાથે બંને પક્ષોની સામે આખી સવાલોની જાળ જ નાંખે.
રસપ્રદ બાબત એ છે કે સવાલો પુછવામાં આવે છેે પણ તેની સાથેે ના જોડાયેલું સત્ય એ છે કે, - આ બધા પ્રશ્નોનો જવાબ આપવો અનિવાર્ય નથી એટલે તે બધા મરજીયાત છે. હેલિકોપ્ટરમાં ઉડતા કે પછી મુલાકાતીની જેમ મળવા આવનારાઓ તો મુડ હોય તો જવાબ આપે નહીંતર ના પણ આપે. એક સવાલની સામે ૧૦૦ સવાલ ઉભા કરો.
અગ્રેજીમાં તો એક કહેવત છે કે, ડાહ્યો માણસ જેટલા જવાબ આપી શકે તેના કરતાં ગાંડો માણસ વધુ સવાલ પુછી શકે.
નોંધ આ માત્ર કહેવત છે કોઇએ બંધબેસતી ટોપી કે પાઘડી પહેેરી ના લેવી. આવનારા દિવસોમાં કોઇની પણ સરકાર આવે સામાન્ય માણસોના પ્રશ્નોના જવાબ તેમને મળશે કેે નહીં તે હજુ નક્કી નથી. દિલ્હીમાં લોકોએ બહુ આશાની સાથે આપની સરકાર બનાવી હતી પણ તેઓએ સરકાર રચ્યા બાદ એટલા બધા પ્રશ્નો પુછ્યા કેે સામાન્ય માણસ બિચારો પરેશાન થઇ ગયો - કારણ કે તે પોતાના પ્રશ્નો ઉકેેલે કે સરકારના !
આટલી વિસમતાઓ પછી પણ આશા રાખીએ કે નવી સરકાર આપણી સામે નવા પ્રશ્નોને બદલે જવાબ લઇને આવે...પણ ઘણી વખત નવી પરિસ્થિતિ નવા પડકારો જ નહીં નવા સવાલો પણ સર્જતી હોય છે........તો હવે બીજું તો શું થાય જવાબને ભુલી જાવ અને સવાલોને માણો....તમે પણ આ વાંચશો એટલી વારમાં મનમાં કેટલા સવાલો આવ્યા અને તેમાંથી કેટલાના જવાબ તમારી પાસે છે તે વિચારશો તો સમજાશે કે ખરેખર સવાલો વજનદાર હોય છે પણ તેની સામે જવાબો તો હવા જેવા હળવાફૂલ હોય છે (ફૂલ એટલે નહીં FOOL હોં.) ...........................!?!?!!!!
टिप्पणियाँ