વરસાદને ક-મોસમી કહવો એટલે અન્યાય
જો માણસો અને મીડિયાનું ચાલે તો વરસાદ-ગરમી-ઠંડીનું ટાઇમટેબલ બનાવી દે
ગાંધીનગર-અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઉકળાટમાંથી રાહત આપતો વરસાદ તુટી પડ્યો હતો. ચારેબાજુ કરા અને પાણીની રેલમછેલ તો થઇ સાથે સાથે ધોમધખતા ઉનાળા પર જાણે કોઇએ ઠંડુ પાણી રેડી દીધું હોવાનું અનુભવાયું. ગરમીને કારણે સાવ શુષ્ક અને સમાધિમાં બેઠેલા ઋષિની જેમ સ્થિતપ્રજ્ઞ બનેલી આખી સૃષ્ટીને કોઇએ ફરી સજીવન કરી દીધી.
જો કે મીડિયામાં વરસાદને ક-મોસમી તરીકે ઓળખાવવામાં આવ્યો. માણસો સહિતની સૃષ્ટીને મળેલી રાહત અને ઠંડક કરતાં વધારે મહત્વનું એ હતું કે, આ વરસાદ કમોસમી હતો. જેમ અતિથિ એટલે જેને કોઇ તિથિ નથી તે, તેવી જ રીતે વરસાદ એટલે વર(વરદાન) અને સાદ (અવાજ) - આકાશને વરદાન આપવા માટે ધરતી પોકાર કરે અને જે આવી પહોંચે તે વરસાદ.
આજકાલના માણસો અને મીડિયાનું ચાલે તો વરસાદ-ગરમી અને ઠંડીનું એક ટાઇમટેબલ તૈયાર કરી દે. વરસાદને કહી દે કે ખબરદાર તું ચોમાસા સિવાય આવ્યો છે તો....................ગરમી અને ઠંડીને પણ કહી દે કે તમે આમ એક સાથે ના આવો........અમારો તો ખ્યાલ રાખો...થોડા-થોડા અંતરે આવો તો શું કે જરા મજા રહે.
હકીકતમાં બધી ઋુતુઓ માણવા માટે છે. કુદરતના માણસ સિવાયના તમામ તત્વો મૌસમની મજા માણતા હોય છે. જ્યાં સુધી તરસ ના લાગે ત્યાં સુધી પાણીની કિંમત ના સમજાય અને વરસાદની મજા ત્યાં સુધી ના આવે જ્યાં સુધી ધોમધખતી ગરમીએ તમને દઝાડ્યા ના હોય. માણસને જાણે કુદરતની સામે વાંધો હોય તેવું અનુભવાય છે. જો શિયાળો આવે અને ઠંડી શરુ થાય એટલે ગરમ પાણી-ભોજન બધુ જ ગરમ જોઇએ અને જેવી ગરમી આવે એટલે બધુ ઠંડુ-ઠુંડુ કૂલ-કૂલ જોઇએ. અને વરસાદમાં તો પંખાની - એસીની સ્વિચ ચાલુ બંધ થયા કરે.
વાતાવરણને અનુકૂળ થવાને બદલે પોતાને અનુકૂળ વાતાવરણ સર્જવાનો પ્રયાસ જ ઘણી વખત રોગનું કારણ બનતો હોય છે. કરા સાથેનો વરસાદ ખરેખર યાદગાર રહ્યો અને તેમાંય ત્યાર બાદ હવામાં પ્રવેશેલી ઠંડક ખરેખર આલ્હાદક અનુભવ કરાવે છે. એન્જોય એવરી થીંગ...........
टिप्पणियाँ