કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલીસ્ટ મીરાબાઈ ચાનુ વાંસના લાકડા ઉંચકીને પ્રેક્ટિસ કરતી !!!


માત્ર 4 ફૂટ 11 ઈંચ ઉંચાઈ અને 48 કિગ્રા વજન ધરાવતી ભારતીય વેઈટલિફ્ટરે 194 કિગ્રા વજન ઉંચકીને દુનિયાને ચકિત કરી દીધી

વજન ઊચકવાનો વિશ્વવિક્રમ : મીરાબાઈ ચાનુ કા જવાબ નહી

ઈમ્ફાલમાં જન્મેલી મીરાબાઈ પાસે એક સમયે એક ટંકનું દૂધ ખરીદવાના પણ રુપિયા ન હતા – સગી બહેનના લગ્ન જતાં કરીને મીરાબાઈ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા ગઈ ત્યારે આખો પરીવાર તેનાથી નારાજ હતો

દુનિયામાં રેસ્ટ અને બેસ્ટ વચ્ચે એક જ તફાવત છે અને તે તફાવત વિજય રેખા પર દુનિયાને દેખાય છે. જોકે આરંભ રેખા પર તો રેસ્ટ અને બેસ્ટ એક સાથે જ હોય છે. આરંભ રેખાની ભીડમાં કોઈ પણ રેસ્ટ કે બેસ્ટમાં ફરક કરી શકતું નથી, પણ એક વખત રેસ શરુ થઈ જાય પછી ધીરે ધીરે બંને વચ્ચેનો તફાવત દુનિયાને સ્પષ્ટ જોવા મળવા માંડે છે અને વિજય રેખા તો ચેમ્પિયને ભીડના જંગલમાંથી અલગ કરીને વિશ્વની સમક્ષ લાવીને મૂકે છે. દુનિયા ચેમ્પિયનની ચકાચોંધમાં અંજાઈ જાય છે. તેને મળી રહેલા માન-અકરામ અને તેના ગળામાં ઝગારા મારતાં ચંદ્રકની ચમક એ તો ચેમ્પિયનની વર્ષોની મહેનત અને કલાકો સુધી પોતાની જાત સાથે સંઘર્ષ કરીને પાડેલા પરસેવાની તુલનામાં મળેલી મામૂલી સિદ્ધિ સમાન છે. દરેક ચેમ્પિયનને એકલાને જ એ બાબતનો અહેસાસ હોય છે કે, અહી સુધીની સફર ખેડવા માટે તેને કેટકેટલા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. જોકે એક ચંદ્રક રમતવીરની આખી જિંદગી બદલી નાંખે છે અને તેવો જ અહેસાસ ભારતની મહિલા વેઈટલિફ્ટર (ભારોત્તોલક) સૈખોમ મીરાબાઈ ચાનુ કરી રહી છે.
મણીપુરના ઈમ્ફાલમાં જન્મેલી મીરાબાઈ ચાનુએ વજન ઉંચકવાની સ્પર્ધા કે જેને વેઈટલિફ્ટિંગ (ભારોત્તોલન) કહેવામાં આવે છે તેમાં નવો વિશ્વકિર્તિમાન સ્થાપિત કરતાં વિશ્વવિજેતા તરીકેનો ખિતાબ હાંસલ કર્યો છે. માત્ર ચાર ફૂટ અને 11 ઈંચ ઉંચાઈ ધરાવતી મીરાબાઈનું વજન માત્ર 48 કિગ્રા છે. તેણે અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ વેઈટલિફ્ટિંગ પ્રતિયોગિતામાં અધધ કહેવાય એટલું 194 કિગ્રા વજન ઉંચકીને દુનિયાને ચકિત કરી દીધી. અગાઉ ક્યારેય દુનિયાની કોઈ પણ વેઈટલિફ્ટરે 48 કિગ્રા વજન વર્ગમાં આટલું વજન ઉંચકવાની હિંમત બતાવી જ નહી. ભારત માટે ગૌરવની બાબત એ રહી કે, ભારોત્તોલનની વિશ્વ ચેમ્પિયનશીપમાં 22 વર્ષ બાદ તિરંગો ટોચ પર લહેરાયો અને રાષ્ટ્રગાનની ધૂનથી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું. છેલ્લે ભારતની મહાનતમ ભારોત્તોલક એથ્લીટ કર્ણમ્ મલ્લેશ્વરીએ 1994 અને ત્યાર બાદ 1995માં વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ સફળતા પ્રાપ્ત કરી હતી, જે પછી આ પહેલી વખત કોઈ ભારતીય એથ્લીટે વેઈટલિફ્ટિંગમાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી.
એક ખેલાડીને સફળતા સુધી પહોંચવા માટે અંગત જીંદગીમાં કેટકેટલી કુરબાની આપવી પડે છે તેનું જીવંત ઉદાહરણ મીરાબાઈ ચાનુ છે. તેણે અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવાનો નિર્ણય લીધો ત્યારે તેનો લગભગ આખો પરીવાર તેનાથી નારાજ થઈ ગયો હતો. મીરાબાઈની સગી બહેન શાયાના લગ્ન નક્કી થયા હતા અને તે જ સમયે અમેરિકામાં વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજાવાની હતી. પરીવાર ઈચ્છતો હતો કે, મીરાબાઈ બહેનના લગ્નમાં હાજરી આપે પણ મીરાબાઈ વર્લ્ડ ચેમ્પિનશીપની તકને જતી કરવા ઈચ્છતી નહતી અને આ કારણે બધાની નારાજગી વહોરી લઈને તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવાનું પસંદ કર્યું અને સુવર્ણ સફળતા મેળવીને બધાની નારાજગીને પણ દૂર કરી દીધી. મીરાબાઈ કહે છે કે, આ નિર્ણય મારા માટે ખૂબ જ ભાવનાત્મક હતો. એક તરફ વર્લ્ડ ચેમ્પિયનશીપ હતી અને બીજી તરફ બહેનના લગ્ન. જોકે હું ખુશ છું કે, અહી મેં સુવર્ણ સફળતા પ્રાપ્ત કરી. ગોલ્ડ મેડલ જીત્યા બાદ મેં જ્યારે મારા પરીવાર સાથે વાત કરી ત્યારે તેઓના અવાજમાં જે ખુશીનો મને અહેસાસ થયો તે ખરેખર એક અલગ જ અહેસાસ હતો.
ઈમ્ફાલના પૂર્વ વિસ્તારમાં આવેલા એક સાધારણ મધ્યમ વર્ગમાં જન્મેલી મીરાબાઈએ બાળપણથી જ સ્પોર્ટ્સમાં રસ લેવાનું શરુ કર્યું હતુ. તેની સામે મણીપુરી બોક્સર મેરી કોમ તો આદર્શ હતી જ, પણ મીરાબાઈને કંઈક અલગ કરીને દેખાડવુ હતુ. તે 10 વર્ષની હતી, ત્યારે 2004માં એથેન્સમાં રમતોના મહાકુંભ એવા ઓલિમ્પિકનું આયોજન થયું અને તેમાં ભારતીય વેઈટલિફ્ટર કુંજારાની દેવીએ ભાગ લઈને નોંધપાત્ર દેખાવ કર્યો. કુંજારાનીના પર્ફોમન્સની નાનકડી મીરાબાઈ પણ ઘણી ઘેરી અસર પડી અને ત્યાર બાદ તેણે પણ ભારોત્તોલન શરુ કર્યું.
પહેલા તો મીરાબાઈએ વાંસ ઉંચકવાની પ્રેક્ટિસ શરુ કરી, ત્યાર બાદ તેને વેઈટલિફ્ટિંગમાં પદ્ધતિસરની તાલીમમાં મૂકવામાં આવી, જેમાં તેની પ્રતિભા ખીલી ઉઠી. મીરાબાઈએ માત્ર 11 વર્ષની ઉંમરે તેના કરતાં ચાર વર્ષ મોટી ખેલાડીઓને હંફાવતા અંડર-15માં નેશનલ ચેમ્પિયનશીપ જીતીને દેશના ટોચના ભારોત્તોલન કોચીસનું ધ્યાન ખેંચ્યું. રાષ્ટ્રીય સ્તરે જુનિયર લેવલે મેળવેલી સફળતા બાદ મીરાબાઈને તેના કોચીસે વધુ પ્રમાણમાં પ્રોટીન લેવાની સલાહ આપી. જોકે મર્યાદિત આર્થિક આવક ધરાવતા સૈખોમ પરીવારની હાલત એટલી સારી નહતી કે, તેઓ તેમની આ લિટલ ચેમ્પ માટે એક ટંક દૂધ ખરીદી શકે. કોચીસ તરફથી કાગળ પર આપવામાં આવેલો ડાયેટ ચાર્ટ ઘરમાં આવેલા જાહેરખબરના પેમ્ફ્લેટની જેમ પડી રહેતો.
મીરાબાઈ માટે આ સમય અત્યંત દુષ્કર હતો. સ્પર્ધામાં ટકી રહેવાનું દબાણની સાથે પ્રેક્ટિસમાં સખત મહેનત કરવામાં તો તે જરાય પાછી પાની કરતી નહતી, પણ ડાયેટ ચાર્ટને અનુસરવાનું તેને પરવડે તેમ નહતું.
આ બધા તોફાનો વચ્ચે ટકી રહેનારી મીરાબાઈએ 17 વર્ષની ઉંમરે નેશનલ જુનિયર ચેમ્પિયનશીપ જીતી તે પછી તેની સ્થિતિમાં થોડો સુધારો થયો. આ પછી તેના કોચ તરીકે તેણે જેને આદર્શ માનીને વેઈટલિફ્ટિંગ અપનાવ્યું હતુ તેવી લેજન્ડરી ખેલાડી કુંજારાની દેવીની નિયુક્તિ થઈ. કુંજારાનીના માર્ગદર્શનમાં મીરાબાઈને કેટલીક વિશિષ્ટ ટેકનિક્સ શીખવા મળી. તેની સાથે સાથે તેની ક્ષમતામાં પણ વધારો થયો. આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કેવી રીતે ટકી રહેવું તે પણ તેણે શીખવા મળ્યું. ભારતીય વેઈટલિફ્ટિંગ ટીમમાં સ્થાન મેળવનારી મીરાબાઈએ 2014ના ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં રજત ચંદ્રક મેળવ્યો હતો, આ પછી 2016ની એશિયન ચેમ્પિયનશીપમાં તેણે કુલ મળીને 190 કિગ્રા વજન ઉંચકીને રિયો ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવ્યો. આ દરમિયાન તેણે સ્નેચ કેટેગરીમાં કુંજારાની દેવીએ 2004માં નોંધાવેલો નેશનલ રેકોર્ડ પણ તોડી નાંખ્યો.
હવે તેની નજર 2016ના રિયો ઓલિમ્પિક પર હતી, જેમાં તે ચંદ્રક જીતીને નવો ઈતિહાસ રચવા માટે ઉત્સુક હતી. જોકે પરીવારની આર્થિક હાલત કથળતી જતી હતી અને સ્પોર્ટસ તેમજ અંગત જીંદગી વચ્ચેના ટકરાવમાં એક તબક્કે મીરાબાઈ પર વેઈટલિફ્ટિંગ છોડી દેવાનું પણ દબાણ સર્જાયું હતુ. જોકે તેણે આ રમતમાં ટકી રહેવાનું નક્કી કર્યું. તે જાણતી હતી કે, એક દિવસ તે એટલું વજન ઉંચકી લેશે કે તેનાથી તેની જિંદગી પરનો તમામ બોજો દૂર થઈ જશે.
અનેક આશાઓ સાથે બ્રાઝિલ પહોંચેલી મીરાબાઈ રિયો ઓલિમ્પિકમાં સાવ ફ્લોપ સાબિત થઈ. વિશ્વ સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાનો તનાવ જાણે તેના પર હાવી થઈ ગયો હતો અને તે ક્લિન એન્ડ જર્કમાં તેના ત્રણેય પ્રયાસોમાં સદંતર નિષ્ફળ રહી અને સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ.
રિયો ઓલિમ્પિક જેવી મેજર ઈવેન્ટમાં સ્પર્ધામાં મળેલી ઘોર નિષ્ફળતાએ મીરાબાઈની ઊંઘ ઉડાડી દીધી. તે કેટલાય દિવસો સુધી ઉંઘી શકી નહી. ખાવા-પીવામાં પણ તેનું મન લાગતું નહતુ. આ પછી મીરાબાઈએ માત્ર પાંચ જ દિવસની રજા લીધી અને પછી પ્રેક્ટિસ શરુ કરી દીધી. આ પછી જ જાણે મીરાબાઈના ભાગ્યનો ઉદય થયો. તેણે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં કુલ મળીને 189 કિગ્રા વજન ઉંચકીને સુવર્ણ સફળતા મેળવતા આવતા વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાં ક્વોલિફાય કરી લીધું હતુ. આ પછી વર્લ્ડ ચેમ્પિયનશીપના ગોલ્ડ મેડલે મીરાબાઈનું નામ દેશ-વિદેશમાં ગુંજતુ કરી દીધું છે. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પણ 196 કિગ્રા વજન ઉંચકીને પોતાના શ્રેષ્ઠતમ દેખાવ કરતાં નવો કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ સર્જ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.



વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ પણ મીરાબાઈ પોતાના ભૂતકાળના સંઘર્ષને ભુલી નથી. તેને આજે પણ અહેસાસ છે કે, કેવા સંઘર્ષમાંથી તે બહાર આવી છે. હવે તેનું લક્ષ્ય આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક મેળવવા તરફ છે. તેની નજર 2020ના ટોકિયો ઓલિમ્પિક રમતોત્સવ તરફ પણ છે, પણ હજુ તેને વાર છે. જોકે મીરાબાઈ પોતાના લક્ષ્યથી ડગવા માંગતી નથી એટલે ખુબ જ સંભાળપૂર્વક આગળ વધી રહી છે.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

શેફાલી વર્મા : લેડી સેહવાગ

રણજી ટ્રોફીનું દબદબાભેર વતનમાં પુનરાગમન

Fifa World Cup -2014 નેધરલેન્ડે ૫-૧ના વિજય સાથે સ્પેન સામે બદલો લીધો