35 વર્ષની ઉંમર, ત્રણ બાળકોની માતા અને બોક્સિંગમાં વર્લ્ડ ચેમ્પિયન : મેરી કોમ તેરા જવાબ નહી...


ભારતની એકમાત્ર ઓલિમ્પિક મેડાલીસ્ટ મહિલા બોક્સર છ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે ઃ સ્ત્રીશક્તિકરણને બદલે સ્ત્રીમેરીકરણ પણ કહી શકાય : મણીપુરમાં અત્યંત ગરીબ પવારમાં જન્મેલી મેરીએ એથ્લેટિક્સ છોડીને બોક્સિંગની રાહ પકડી ને જાણે ચમત્કાર થયો
મહેનત એ મનુષ્યને મળેલું એવું શસ્ત્ર છે, જેના થકી અત્યંત દુર્ગમ અને ક્યારેક તો અસાધારણ કહી શકાય તેવી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. રમતની જેમ જિંદગીના દરેક ક્ષેત્રમાં સુવર્ણચંદ્રકને હાંસલ કરવો આસાન નથી. દરેકની સામે પોતપોતાના સ્તરના અનેક પ્રશ્નો – સમસ્યાઓની હાજરી સાહજિક હોય છે, પણ ચેમ્પિયન એ બની શકે છે કે, જે મહેનતના શસ્ત્રથી તેના તમામ હરિફોથી આગળ નીકળી જાય. દુનિયામાં કોઈને કે બધાને પાછળ પાડવા કરતા પોતે (અન્યની ચિંતા છોડી)ને આગળ વધી જવું કેટલું આનંદદાયક હોય છે તેનો અહેસાસ સૌપ્રથમ તો સસલા સાથેની રેસમાં અણધારી સફળતા મેળવનારા પેલા કાચબા સિવાય તો કોઈને થયો હોય ! બાળવાર્તા તરીકેની ઓળખ ધરાવતી કાચબા-સસલાની વાતનો સાર એટલો જ છે કે, જો સસલાની જેમ તમે હરિફો પર નજર દોડાવ્યા કરશો તો ક્યારેય કાચબાની જેમ વિજય રેખાને જોઈ નહિ શકો અને જેના પર મીટ માંડી જ નથી, તેની પ્રાપ્તિનો તો પ્રશ્ન જ થતો નથી.
પેલા કાચબાની જેમ જેની જિંદગી સાથે ઉપરવાળાએ મુશ્કેલીઓનું ભારેખમ કોચલું જોડી દીધું હતુ, તે મેરી કોમ આજે બોક્સિંગ જગતમાં ધ આયર્ન લેડી ઓફ ઈન્ડિયા તરીકેની ઓળખને પ્રસ્થાપિત કરી ચૂકી છે. મણીપુર જેવા ભૌગોલિક સહિતની લગભગ તમામ દ્રષ્ટીએ છેવાડે આવેલા રાજ્યની એક ગરીબ પરીવારની મહિલા બોક્સર રિંગમાં તેના પાવરફૂલ મુક્કાઓથી દુનિયાની ભલ-ભલી બોક્સરોને ધરાશાયી કરી ચૂકી છે. મેરી કોમ ખુદ દેશ અને દુનિયાના બાળકો અને યુવાનો માટે પ્રેરણાસ્રોત સમાન છે, તેણે સાબિત કર્યું કે, આજના અત્યંત મુશ્કેલ અને પડકારજનક યુગમાં સફળતા પર કોઈની ઈજારાશાહી નથી. તમારી પાસે આધુનિક ઈક્યુપમેન્ટ્સ નથી, ઈન્ફ્રાસ્ટ્ર્કચર નથી તો શું થયું. હાથ-પગ અને ક્યારેય ન થાકે તેવું મન તો છે, તે જ તમને સફળતા સુધી દોરી જશે.
ભારતમાં મહિલા બોક્સિંગની શરુઆત થઈ તેની સાથે જે કેટલીક ખેલાડીઓ તેના તરફ આકર્ષાઈ તેમાં મેરી કોમ પણ હતી. એથ્લેટિક્સથી સ્પોર્ટસની દુનિયામાં પ્રવેશેલી મેરીની જિંદગી ક્યારે બોક્સિંગમય બની ગઈ તેની તેને ખબર જ ન રહી અને દરેક ફાઈટને જિંદગીની છેલ્લી ફાઈટ માનીને જ રિંગમાં ઉતરનારી મેરી કોમે ઓલિમ્પિક જેવા વૈશ્વિક રમતોના મહાકુંભમાં ભારતને ગૌરવ અપાવતા 2012ની લંડન ગેમ્સમાં કાંસ્ય સફળતા પ્રાપ્ત કરી હતી. મેરીની કારકિર્દીના ગુરુશિખર જેવા ઓલિમ્પિક ચંદ્રકે ભારતીય રમતજગતમા એવો આત્મવિશ્વાસ જન્માવ્યો કે જો તમે તમારી પ્રતિભાને સખત મહેનત થકી અલગ જ ઉંચાઈ પર પહોંચાડો તો કોઈ રાજકારણ કે સ્પોન્સરશીપની સમસ્યા તમારા અને ચેમ્પિયનશીપ મેડલની વચ્ચે અંતરાય બનતી નથી.
મેરી છ વખત મહિલા બોક્સિંગમાં વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે અને તેની વિશિષ્ટ સિદ્ધિ એ છે કે, મહિલા બોક્સિંગનો પ્રારંભ થયો ત્યારથી લઈને શરુઆતના છ વર્ષ સુધી લગલગાટ મેરી ફાઈનલમાં પહોંચી હતી અને તેમાંથી એકમાં જ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓલિમ્પિક તેમજ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સફળતા મેળવનારી મેરીએ એશિયા તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય મુકાબલાઓમાં તો મેડલનો ઢગલો ખડકી દીધો હતો. જોકે મેરીની તેમજ ભારતીય સ્પોર્ટસજગતની કમનસીબી એ રહી કે, ઓલિમ્પિકમાં છેક 2012માં મહિલા બોક્સિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો તે અગાઉના વર્ષોમાં મહિલા બોક્સિંગ ઓલિમ્પિક ગેમ હોત તો ચોક્કસ મેરીના નામે ગોલ્ડ સહિતના ત્રણેક મેડલ તો જરુર હોત, પણ મેરીની કારકિર્દી અસ્તાચળે હતી, ત્યારે પણ તેણે ઓલિમ્પિક મેડાલીસ્ટ બનવાના સ્વપ્નને આડે તેની ઉંમર કે તેના પરીવારને આવવા ન દીધો અને કાંસ્ય સફળતા મેળવીને ભારતીય રમત ઈતિહાસમાં પોતાનું નામ કાયમ માટે અંકિત કરી દીધું.
દેશ-વિદેશમાં ભારતની મહિલા બોક્સિંગ જગતની ઓળખ બની ચૂકેલી મેરી કોમની જિંદગી અનેક અટપટા રસ્તે રઝળ્યા બાદ બોક્સિંગના રાજમાર્ગ પર આવીને સ્થિર થઈ હતી અને રસપ્રદ બાબત એ છે કે, આ રાજમાર્ગ ખુદ તેણે પોતે જ પસંદ કર્યો હતો. મણીપુરના કાંગાથેઈ નામના નાનકડા ગામમાં 25 નવેમ્બર, 1982ના રોજ જન્મેલી મેરીના પિતા માંગ્તે ટોમ્પા કોમ અને માતા અખામ ખેતરમાં ભાગીયા તરીકે કામ કરીને ગુજરાન ચલાવતા. મેરી પણ નાની ઉંમરે જિંદગીને આગળ ધપાવવાના સંઘર્ષમાં માતા-પિતાની સાથે જ જોડાઈ ગઈ. સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે તે ઘર ચલાવવામાં માતા-પિતાની પણ મદદ કરતી.
નાનકડી મેરીની રોજિંદી દિનચર્યા જ એટલી કઠિન હતી કે, તેને ફિટનેસને ડેવલપ કરવા માટે બીજું કશુ જ કરવાની જરુર નહતી અને આ જ બાબતે તેને તેની સાથી ખેલાડીઓ કરતાં રમતના મેદાનમા ચડિયાતી સાબિત કરવા માડી.
મેરી કોમ માત્ર સ્કૂલમાં જ નહિ, પણ તેમના ડિસ્ટ્રીક્ટમાં પણ દોડવાની કે કૂદવાની રમતોમાં અવ્વલ રહેતી. આટલું જ નહિ તે વોલીબોલ અને ફૂટબોલ જેવી બધી જ રમતો રમતી. મેરીની સ્પોર્ટસ પ્રતિભાને જોઈને તેની શાળાના પ્રિન્સીપાલ તેમજ અન્ય શિક્ષકોએ તેના માતા-પિતાને સલાહ આપી કે, તમે તેને સારુ કોચિંગ મળે તેવી વ્યવસ્થા કરો. આ કારણે તેના માતા-પિતાએ ઈમ્ફાલમાં સ્પોર્ટસ એકેડમીમાં તાલીમ માટે મોકલવાનું નક્કી કર્યું, જ્યાં એથ્લેટિક્સની ટ્રેનિંગ માટે આવેલી મેરીને ખબર પડી કે, મહિલા બોકિસંગની ટ્રેનિંગ શરુ થઈ રહી છે. તેણે અહીં માતા-પિતાથી છુપાઈને બોક્સિંગની ટ્રેનિંગ લેવાની શરુ કરી દીધી. આટલું જ નહિ તેનું સાચુ નામ માગ્તે ચુન્ગનેઈજાંગ હતુ, પણ ઈમ્ફાલના સ્પોર્ટસ સેન્ટરમાં સાથી ખેલાડીઓને તેના નામનો ઉચ્ચાર ફાવતો નહતો એટલે તેઓએ તેને મેરીનું હૂલામણું નામ આપ્યું અને મેરીએ તેને સહર્ષ સ્વીકારી લીધું. આ વાતની જાણ તેના પિતાને અખબારથી થઈ હતી. જ્યારે મેરીએ જુનિયર લેવલે પહેલી બોક્સિંગ ચેમ્પિયનશીપ જીતી ત્યારે તેની તસવીર સ્થાનિક અખબારમાં છપાઈ. જોકે તસવીર ઝાંખી હતી અને નીચે મેરી નામ લખેલું હતુ એટલે તેના પિતા પુત્રીને ઓળખી ન શક્યા, પણ જ્યારે આ બાબતનો રહસ્યસ્ફોટ થયો ત્યારે પહેલા તો તેમણે મેરીને બોક્સિંગ છોડી દેવાનો આદેશ જ કરી દીધો. જોકે ઘરમાં સર્જાયેલા ઘમાસાણ બાદ આખરે બાળહઠની જીત થઈ અને મેરીની જિંદગીએ બોક્સિંગ તરફ કદમ આગળ ધપાવ્યા.
પરીવારજનોએ મેરીને તેની મરજીના મુક્ત આકાશમાં વિહાર કરવાની મંજૂરી આપી પછી તો કોની હિંમત હતી કે, તેને રોકી શકે ! મેરીએ તેની સખત મહેનત અને શક્તિશાળી મુક્કાઓને સહારે રાષ્ટ્રીય જ નહિ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાના નવા નવા શિખરો સર કર્યા અને ભારતને દુનિયાભરમાં ગૌરવ અપાવ્યું. કારકિર્દીમાં પહેલી વખત વિદેશ પ્રવાસે જવાની તૈયારી કરી રહેલી મેરીનો પાસપોર્ટ ખોવાઈ ગયો અને તેનું વિદેશ જવાનું રદ થાય તેમ હતુ, ત્યારે નવી દિલ્હીમાં રહેલા એક મણીપુરી યુવાન કારુંગ ઓન્લેરે દિવસ-રાત એક કરીને મેરીનો પાસપોર્ટ તૈયાર કરાવી આપ્યો અને આ પાસપોર્ટને કારણે જ બંનેની દોસ્તી વધુ ગાઢ બની અને આખરે તેમણે 2005માં લગ્ન પણ કરી લીધા, જોકે લગ્ન એ મેરીની બોક્સિંગ કારકિર્દીનું પૂર્ણવિરામ બનવાને બદલે માત્ર અલ્પવિરામ બન્યું. ઓન્લેરની પ્રેરણા અને સંઘર્ષને કારણે જ મેરી જોડિયા પુત્રોની માતા બન્યા બાદ બોક્સિંગમાં સફળતાનો સિલસિલો જારી રાખતાં ઓલિમ્પિક મેડલ સુધીની સફર ખેડવામાં સફળતા મેળવી. ઓલિમ્પિકની કાંસ્ય સફળતા બાદ મેરીએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો, પણ તેની બોક્સિંગની સફરમાં કોઈ અડચણ ન આવી. 
ત્રીજા પુત્રના જન્મના એક જ વર્ષ બાદ મેરીએ ઈન્ચેઓન એશિયન ગેમ્સમાં કારકિર્દીનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ 31 વર્ષની ઉંમરે જીતી બતાવ્યો હતો. રાજ્યસભાના સાંસદ તરીકેની કામગીરી પણ મેરીને બોક્સિંગથી અલગ કરી ન શકી. તેની જિંદગીમાં નાણાનો અને વૈભવનો પ્રવાહ વહેવા માંડ્યો પણ તેનાથી મેરીની બોક્સર તરીકેની કારકિર્દી પર કોઈ પ્રભાવ ન પડ્યો. 
તેમે 34 વર્ષની ઉંમરે એશિયન ચેમ્પિયનશીપમા સુવર્ણ સફળતા મેળવી બતાવી અને હવે 35 વર્ષની ઉંમરે ત્રણ બાળકોની માતા બની ચુકેલી મેરીએ વિશ્વવિક્રમી છઠ્ઠું ટાઈટલ જીતીને ઈતિહાસ રચી દીધો. 
વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવા ફેવરિટ હોવાની સાથે તેણે ચાહકોની અપેક્ષા પર ખરા ઉતરીને બતાવ્યું છે. કોમળ બની ચુકેલા કરોડપતિ ક્રિકેટરો કરોડો ચાહકોની આશાઓને ભાર માનીને તેની ફરિયાદ કરતાં હોય છે, ત્યારે મારીના બાવડામાં ચાહકોની આશાઓ ઉંચકીને આગળ વધવાની હિંમત છેે. તે ચાહકોની અપેક્ષાને ભાર તરીકે નહિ પણ તેનામાં દેશવાસીઓએ મૂકેલી શ્રદ્ધા તરીકે જુએ છે. ક્યારેય હું જીતીશ જ એવો ઘમંડ દર્શાવતી નથી અને હરિફને ઉતારી પાડવાની ચેષ્ટા કરતી નથી. બોક્સિંગ જેવી બોડી કોન્ટેક્ટ ગેમમાં તેના મોઢામાંથી અપશબ્દ કે તેના ચહેરા પર હરિફનેે મારી નાંખવાની હોય તેવો હાવભાવ પ્રગટ થતો નથી. આવી ઘણી બાબતો ભારતના સુપરસ્ટાર આઈકોન ધરાવતા સ્પોર્ટસપર્સન્સે મેરી પાસેથી શીખવા જેવી છે.
35 વર્ષની ઉંમરે પહોંચેલી મેરી કહે છે કે, તમારી સામેની દરેક તક, દરેક સ્પર્ધા, દરેક મેચ જાણે તમારી છેલ્લી મેચ છે, તેમ માનીને રમો. ફાઈનલ વ્હિસલ ન વાગે ત્યાં સુધી થાકો કે હારો નથી. આખરી સેકન્ડ સુધી ઝઝૂમતા રહો તો સફળતા તમારાથી વધુ સમય દૂર નહિ રહી શકે.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

શેફાલી વર્મા : લેડી સેહવાગ

રણજી ટ્રોફીનું દબદબાભેર વતનમાં પુનરાગમન

Fifa World Cup -2014 નેધરલેન્ડે ૫-૧ના વિજય સાથે સ્પેન સામે બદલો લીધો