ફાધર આલ્ફોન્સો ડિસોઝાએ ચાર દાયકા પહેલા અમદાવાદમાં બાસ્કેટબોલ ટુર્નામેન્ટ શરુ કરી હતી
શાળા-કોલેજ જીવનના વહી ગયેલા સંસ્મરણોને વાગોળવા અને વ્યક્તિત્વની જે ઈમારત પણ આજે ઉભા છીએ તેના ઘડતરમાં સંસ્કારોનું સિંચન કરનાર ગુરુજનો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે મોટાભાગે દરેક શૈક્ષણિક સંસ્થામાં એલ્યુમનાઈના કાર્યક્રમો થતાં જ રહે છે. સામાન્ય રીતે હોટલો કે વૈભવી રિસોર્ટમાં કે શાળાના પટાંગણોમાં આવા કાર્યક્રમો યોજાતા હોય છે. અમદાવાદમાં સ્પોર્ટસ કલ્ચરને વિકસાવવામાં સેંટ. ઝેવિયર્સનો ફાળો વિશેષ રહ્યો છે અને આ જ પરંપરાને જાળવી રાખતાં આજથી ચારેક દાયકા પહેલા વિદ્યાર્થીજીવનમાં જેમની પાસેથી રમતગમતના અને જિવનના પાઠ શીખ્યા હતા, તેવા વિદ્યાર્થીઓ-શિષ્યોએ સેંટ. ઝેવિયર્સ મિરજાપુર ખાતે આવતીકાલે રેવ. ફાધર આલ્ફોન્સો ડિ સોઝા ઈન્વિટેશનલ બાસ્કટેબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે, અમદાવાદમાં ચાર દાયકા પહેલા સ્પોર્ટસનો અને ખાસ કરીને બાસ્કેટબોલની રમતમાં પાયાની કામગીરી કરનારા 76 વર્ષીય રેવ. ફાધર આલ્ફોન્સો ડિસોઝા ખુદ તેમના નામ સાથે જોડાયેલી ટુર્નામેન્ટમાં હાજરી આપવાના છે.
અમદાવાદમાં રમતવીરોની પેઢીઓને તૈયાર કરનારા ફાધર આલ્ફોન્સો ખુદ પણ હાજરી આપશે
1980ના દશકમાં અમદાવાદમાં પહેલ વહેલી બાસ્કેટબોલ ટુર્નામેન્ટ સેંટ. ઝેવિયર્સ મિરજાપુરમાં રેવ. ફાધર આલ્ફોન્સો ડિ સોઝાએ ઓલ્ટર બોઇઝ ટુર્નામેન્ટ શરુ કરી હતી. તેમના સ્પોર્ટસને પ્રમોટ કરવાના સ્વભાવને કારણે અમદાવાદ-ગુજરાતને ઘણા બધા ખેલાડીઓ મળ્યા. તેમણે ઈ.સ. 1976 થી 1983 દરમિયાન સેંટ. ઝેવિયર્સ મિરજાપુર ખાતે વિજ્ઞાનના શિક્ષક તરીકે સેવા આપી હતી. તેઓ મલ્ટી ટેલેન્ટેડ હતા અને વિદ્યાર્થીઓને રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરતાં. ફાધરના માર્ગદર્શનમાં તૈયાર થયેલા થોમસ જોબ જેઓ હાલ સીઆરપીએફમાં ઉચ્ચ હોદ્દો સંભાળે છે. નિકોલસ મેન્ડિસ જે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફૂટબોલ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. એન્ડ્રુ રોડ્રિક્સ જે ગુજરાતના એક સમયના ટોચના ગોલકિપર હતા. કેસિયન ગોમ્સ જેઓ આરબીઆઈમાં નોકરી કરે છે. એન્થોની ડિ સોઝા જે ઈન્કમટેક્ષ તરફથી હજુ પણ બાસ્કટેબોલ રમી રહ્યા છે. અમદાવાદના ગર્લ્સ બાસ્કેટબોલમાં પાયોનિયર સમાન માઉન્ટ કાર્મેલ સ્કૂલ નવરંગપુરાના ડેવિડ કોલાકો સહિતના અનેકાનેક વિદ્યાર્થીઓની જિંદગીમાં ફાધર આલ્ફાન્સોએ શિક્ષણ, શિસ્ત અને સ્પોર્ટસથી અજવાળું ફેલાવ્યું છે.
આજથી સેંટ. ઝેવિયર્સ મિરજાપુરમાં ઈન્વિટેશનલ બાસ્કટેબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ
તે સમયના તેમના પ્રયાસો થકી બાસ્કેટબોલમાં તેમજ અન્ય રમતોના મેદાનમાં પ્રવેશેલા અને તેમાં સફળતા મેળવનારા તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ-ખેલાડીઓએ આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ટુર્નામેન્ટનો પ્રારંભ આવતીકાલે શનિવારે બપોરે 2.30 વાગ્યાથી સેંટ. ઝેવિયર્સ મિરજાપુરના બાસ્કેટબોલ કોર્ટ પર થશે. તારીખ 1 ડિસેમ્બરને રવિવારે સવારે 9.45થી સેમિ ફાઈનલ્સ અને રવિવારે સાંજે 7.30 વાગ્યાથી ફાઈનલ રમાશે. ટુર્નામેન્ટમાં પ્રેમળ જ્યોતિ, એનબીસી, સીબીસી, એલ.જે., મેક્સા, જીએલએસ, પીડીપીયુ, એકલવ્યની ટીમો ભાગ લેશે.


टिप्पणियाँ