એક સમયે તુટેલા છાપરાંવાળા ઘરમાં રહેતા પોવેલની જિંદગીને ક્રિકેટે બદલી નાંખી
![]() |
![]() |
જમૈકામાં જન્મેલા રોવમાનના બાળપણના વર્ષો સંઘર્ષમય રહ્યા હતા. તેની માતા જોએન પ્લુમ્મેર પ્રેગ્નેન્ટ થઈ ત્યારે તેના પાર્ટનરે તેને અબોર્શનની સલાહ આપી. પ્લુમ્મેરે બાળકને જન્મ આપવાનો અને તેને એકલા હાથે ઉછેરવાનો નિર્ણય લીધો. ગરીબી સામેના જિંદગીના સંઘર્ષમાં તેની માતાએ ક્યારે હિંમત હારી નહતી. પોવેલ સાવ નાનકડા તુટેલા છાપરાંવાળા ઘરમાં હતો. તેના પરિવારમાં એક બહેન પણ હતી. માતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે લોકોના ઘરે કપડાં ધોવા અને વાસણ માંજવા જતી. આ પ્રકારે તેને સંઘર્ષ કરીને બાળકોને ઉછેર્યા અને ભણાવ્યા.
બાળપણમાં પોવેલ પરિવારનું ગુજરાન ચલાવવામાં માતાને મદદ મળી રહે તે માટે ઘેટાં-બકરાં ચરાવવા માટે જતો. તુટેલા છાપરાંવાળા ઝુંપડામાં વરસાદી રાતે કેવી કપરી પરિસ્થિતિ સર્જાય છેે, તેનો પ્રત્યક્ષ અનુભવ રોવમાન અને તેના પરિવારને છે. તે છઠ્ઠા ધોરણમાં હતો, ત્યારે તેના શિક્ષક નિકોલસ ધિલ્લોને બાળકોને તેમના પિતાને અનુલક્ષીને એક પ્રવૃત્તિ કરવા આપી. ત્યારે પોવેલ રડતો હતો. ધિલ્લોને કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે, સર, હું મારા પિતાને જાણતો જ નથી. નાનકડા બાળકના માસૂમ જવાબથી ધિલ્લોન મૂક બની ગયા. ત્યાર બાદ ધિલ્લોને પણ તેના ઉછેરમાં અને દેખરેખમાં રસ લીધો હતો.
એક દિવસ શાળાએથી પરત ફરેલા રોવમાનના હાથમાં ક્રિકેટ બેટ હતું. તેની માતા જોએનને તે દિવસ બરોબર યાદ છે. તેની સાથે તેની બહેન પણ હતી. જોએને કહ્યું કે, તમારા બંને માટે મેં ભોજન રાખ્યું છે. તે જમી લો. આ સમયે રોવમાને જવાબ આપ્યો કે, મા તું ચિંતા ના કરીશ. હું ક્રિકેટ રમીને તમને ગરીબીમાંથી બહાર લાવીશ. કેરેબિયન પ્રીમિયર લીગના એક શૉમાં પોવેલની માતાએ આ અંગેનો ખુલાસો કર્યો હતો અને તેની આંખોમાં આંસૂ આવી ગયા હતા.
પોવેલે વચન પાળ્યું : ક્રિકેટની કમાણીમાંથી માતાને કાર ભેટમાં આપી
પોવેલે વેસ્ટ ઈન્ડિઝના ઘરઆંગણાના ક્રિકેટમાં ઝંઝાવાત જગાવ્યો હતો. તેને કેરેબિયન પ્રીમિયર લીગમાં પણ કમાલ કરી હતી અને ક્રિકેટના મેદાન પરના શાનદાર દેખાવને પગલે તેની આવકમાં પણ જબરજસ્ત ઉછાળ આવ્યો હતો. તેણે ૨૦૧૯માં તેની કમાણીમાંથી માતાને કાર ભેટ આપી હતી. પોવેલે કહ્યું કે, હું જે કંઈ પણ કરું છું અને જે કંઈ પણ કમાણી કરુ છું, તે મારી માતા અને બહેન માટે જ કરું છું. તેમણે બાળપણમાં ખુબ જ સંઘર્ષ કર્યો છે.
દિલ્હી કેપિટલ્સે પોવેલને રૃા. ૨.૮ કરોડમાં ખરીદ્યો
દિલ્હી કેપિટલ્સે આઇપીએલની હરાજીમાં પોવેલને ૨.૮ કરોડ રૃપિયામાં ખરીદ્યો હતો. તેણે દિલ્હી તરફથી નોંધપાત્ર દેખાવ કરતાં હૈદરાબાદ સામે છ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે ૩૫ બોલમાં અણનમ ૬૭ રન ફટકાર્યા હતા. અગાઉ કોલકાતા સામે પણ તેણે ૧૬ બોલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે અણનમ ૩૩ રન ફટકારતાં ટીમને જીતાડી હતી.
टिप्पणियाँ